Home    

આજની પેઢી : નીરુ આશરા

AAJ NI Pedhi : Niru Ashra Mumbai :
આજની પેઢી પાસે શું નથી ?
ઞઇ કાલે ધોરણ નવમા ભણતી વિદ્યાર્થીની ઐ આત્મહતયા કરી તેના પર થી ઉદભવેલ વિચાર
એમની બુદ્ધિ...ભલભલાને પાણી પીવડાવે એવી !એમને મળતી સગવડો...કેટલી બધી !
જ્ઞાન મેળવવા માટેના રિસોર્સ...ઢગલાબંધ !ફેમિલીનો સહકાર...સતત ! અરે !એમ કહું તો ચાલે કે -
માતા-પિતા એમના પ્રોગ્રામ કે ટાઈમટેબલને પ્રાયોરિટી આપે...અને,પછી જ પોતાનો કોઈ પ્રોગ્રામ બનાવે !!
સુખ સગવડના સાધનો ?એના વગર તો જીવાય જ કેમ !ખુદ માતા કે પિતા જુનો ફોન વાપરે,
સ્કૂટર જુનું થયું હોય તો ચલાવી લે...પણ,દીકરા, દિકરીને મોબાઇલ, બાઈક કે સ્કૂટી તો નવું જ અપાવે !!ટ્યુશન...સ્કુલની મોટી ફી દેવું કરીને પણ અરેન્જ કરી આપે !અને,છતાં આજની પેઢી...
આજનો યુવાન કે યુવતીના ચહેરા પર કોઈ ખુશી કેમ નથી ?આ પેઢી ઉદાસ કેમ છે ??
૪૦-૫૦ વર્ષ કે એથી મોટી વયના લોકોને યાદ હશે કે -માતા-પિતાને ખબર પણ ના હોય કે... પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે !
અરે,આજે સ્કુલમાં સાહેબે તમને બોલાવ્યા છે, એવું પિતાજીને કહેવામાં પણ ડર લાગતો
કારણકે -આપણે જ કોઈ ભૂલ કરી હશે...અને ફરિયાદ કરવી હશે...
- એમ માની પપ્પાના હાથનો લાફો પહેલાં પડી જતો !અને,“ભણે છે તો શું થયું ?
બજારનાં નાનાં-મોટાં કામ તો તારે જ કરવાના..”
અથવા,દીકરી હોય તોઘરનાં કામ તો કરવાના જ !
-આવો સંવાદ દરેકના જીવનમાં થયો હશે...અરે ભણવું હોય તો -પપ્પાની દુકાન સંભાળવા પણ જવું પડતું. લેસન કરવાની જવાબદારી તો આપણી જ ! એના માટે કોઈ સ્પેશિયલ સમય નહોતો ફાળવાતો... અને ટ્યુશન ?એ શું વળી ?“સ્કુલમાં ઢોર ચારે છે..તો તારે ટ્યુશન રખાવવું પડે ?”
-આ ડાયલોગ પણ ઘણાં બધાએ સાંભળ્યો હશે !અને,ટ્યુશન રખાવનાર બાળક સહુથી ડફોળ ગણાતો...એટલે જો શિક્ષક બાળકને ટ્યુશન રખાવવાનું કહે...તો -બાળકને અને વાલીને ડૂબી મરવા જેવું લાગતું !!છતાં ચહેરા પર ખુશી કેટલી હતી !કોઈ બોર્નવીટા કે હોર્લીક્સ વાળું દૂધ નહોતું મળતું... અને છતાં એ વખતે પણ હાઈટ વધતી હતી... અને,શક્તિ અત્યારના બાળક કરતાં વધુ રહેતી ! સ્કુલેથી આવી દૂધ પીને સીધા ગલીમાં કે પોળમાં રમવા જતા રહેવાનું...
અને,માટીમાં રમીને ધૂળવાળા થઈને પાછા આવવાનું...છતા,કેટલો સંતોષ !
ક્યારેય આપણને એ માટીમાં રમવાથી ઇન્ફેકશન નહોતું થતું !થોડો તાવ આવતો તો -
ઘરગથ્થુ ઉકાળાથી જ મટી જતો !

વળી,ઘરમાં પિતાને પણ ખબર ના પડતી...અત્યારની જેમ કોઈ ખોટા લાડ નહિ...
અને,છતાં બધાં જ બાળક ખુશ રહેતાં !કોઈના જીવનમાં - કોઈ ટેન્શન નહીં...
અને હા,ખાલી એ દિવસ થોડો ટેન્શન વાળો જાય...જ્યારે રિઝલ્ટ પર પપ્પાની સહી લેવાની હોય !
અને,રીઝલ્ટ ખરાબ હોય...તો પણ,પપ્પા લડે કે એકાદ લાફો મારી દે...
તો -૧૦ મીનીટમાં ભૂલી જવાનું !એ મારા પપ્પા કે મમ્મી છે...મારે પણ ખરાં !
અને અત્યારે ?માતા-પિતાથી બાળકને ઉંચા અવાજે બોલાય પણ નહીં...બાળકનું ધાર્યું ના થાય તો-
એ ડીપ્રેશનમાં જતું રહે !શિક્ષક એને વઢી ના શકે...તો મારવાની વાત જ ક્યાંથી ?
દરેક બાળક ભીડ વચ્ચે એકલતા અનુભવે છે...પોતાની જીદ પૂરી ના થાય તો -
ડીપ્રેશન આવી જાય !અને એટલી હદે કે -બાળક આત્મઘાતી પગલું ભરતાં પણ વિચાર નથી કરતું !!અત્યારનાં દરેક માતા-પિતા મારી સાથે સહમત થશે કે...?આપણે એને પૂછીએ કે -
”બેટા, ક્યાં જાય છે ?”તો જવાબ આ જ હોય કે -“ બહાર જઉં છું. “કોઈ વાતનો સીધો જવાબ નહિ...
અને,છતાં માબાપથી કશું કહેવાય નહી !બસ,સમસમીને બેસી રહેવાનું...
ક્યાં લઇ જઈ રહ્યા છીએ આપણે આપણી આ નવી પેઢીને ?
પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણને એક ઊંડા કૂવામાં ધકેલી રહ્યું છે...
- એનું ભાન છે ?પાણી માગે તો -દૂધ હાજર કરી દેનારા માતા-પિતા સમજતા કેમ નથી કે -
એ પોતાના જ બાળકને પાંગળું બનાવી રહ્યા છે !થોડું પણ 'સ્ટ્રેસ' ના આપવું...એ આપણો 'પ્રેમ' હોઈ શકે...પણ,એનાથી એ બાળક ભવિષ્યમાં આવનારા સ્ટ્રેસને હેન્ડલ નહિ કરી શકે !
કાં તો ડીપ્રેશનનો ભોગ બનશે...અથવા તો -આત્મઘાતી પગલું ભરશે...- એ કેમ નથી વિચારતા, ?
‘ના’ સાંભળવાની આદત નહિ હોવાને કારણે -ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એને ‘ના’ કહેશે...તો?
એને પોતાનો 'અહમ' ઘવાશે...
અને,
ના કરવાનું કરી બેસશે એનું શું ?
વસ્તુઓ માગ્યા પહેલાં જ મળી જતી હોય...
એને પછી -
ભવિષ્યમાં ધીરજ રહેશે ખરી ?
તમારું બાળક તમને પ્યારુ છે, ઈમ્પોર્ટન્ટ છે...
એટલું જ મહત્વનું સમાજમાં પગ મુકશે ત્યારે બધા ગણશે એને ?
એ સ્વાર્થી બનીને કોઈને ગણે જ નહિ તે છતાં આપણા તરફથી જે વાત્સલ્ય એને મળે છે,
એવું જ વ્હાલ એને સમાજમાંથી નહિ મળે !
(કારણકે સામેની વ્યક્તિ પણ આવી રીતે ઉછરેલી વ્યક્તિ હશે ને !)
ત્યારે શું થશે એનો વિચાર કર્યો કોઈ દિવસ ?
ચાલો,
આજે.... થોડું આપણે સુધારવાનો નિર્ણય લઈએ.
આપણે આપણા બાળકને 'સામાન્ય' દેખાતા...પરંતુ,
ભવિષ્યમાં થનારા મોટાં જોખમો સામે રક્ષણ આપનારા ગુણો શીખવાડીશું.
એના માટે માતા-પિતાએ થોડું કઠોર બનવું પડશે !
જો હીરાને ઘસવાવાળી પોલિશ કરવાવાળી એમ્રી થોડી કઠોર અને કર્કશ નહિ હોય...
તો -
હીરાની કિંમત નજીવી બની જશે !
કેમકે એ પોલીશ જ નહિ કરાયેલો હોય એટલે !
દિલમાં દુ:ખ તો થાય...
છતાં પણ બાળકને ધીરજ,
‘ના’ સાંભળવાની ટેવ,
મોટાઓનો આદર કરવાની ટેવ
અને,
પ્રોબ્લેમ સોલ્વ કવાની કેપેસીટી...
આ બધું જ શીખવાડવું પડશે.

દુનિયા ક્યારેય એટલી નવરી નથી કે -
તમારા બાળકની સતત ઢાલ બનીને રહે !
જો આ ગુણો એનામાં આવશે...
તો -ફક્ત હેપ્પી ન્યુ ઈયર નહિ...
પણ,આપણી અને એમની લાઈફ પણ '"હેપ્પી' બની જશે !!
સોરી,થોડી ભાષા કઠોર વાપરી છે...
પણ,એ મારી આજની યુવાપેઢી વિશેની ચિંતા છે...
*તો એને "ક્ષમ્ય" ગણશો



Comments