Home
હું પણ એક વાર વહુ હતી : નીરુ આશરા
હું યે એકવાર 'વહુ' જ હતી ને !! બોધ કથા
સંકલન : નીરુ આશરા
માધુકાકા અને માલુકાકી સાથે અમારે ઘર જેવો સંબંધ.
અમારી પડોશમાં જ રહે.
એમનો જયંત મારા જેવડો.
મારો દોસ્ત.
અમે સાથે ભણીએ...
એટલે -
એકબીજાના ઘરમાં જવા-આવવાનો,
રમવા-જમવાનો નિકટનો સંબંધ.
માલતીકાકી મારા પર બહુ પ્રેમ રાખે.
પોતાના દીકરા જેવો જ માને.
ભણી-ગણીને નોકરી નિમિત્તે હું બહારગામ રહેતો થયો...
એટલે -
મળવાનું ઓછું થઈ ગયું.
છતાં,
જ્યારે પણ ઘરે આવું...
ત્યારે -
માધુકાકા, માલુકાકી અને જયંતને અચૂક મળું.
જો એક ટંક એમના ઘરે જમ્યા વિના પાછો જાઉં...
તો -
માલુકાકી બહુ નારાજ થઈ જાય !!
આ વખતે બહુ લાંબા ગાળે મારે ઘેર આવવાનું થયું.
દોઢેક વરસ થઈ ગયું હતું.
મા સાથે વાત કરતો બેઠો હતો...
સહેજે મેં પૂછ્યું :
‘માલુકાકી,
જયંત વગેરે બધાં મજામાં છે ને ?’
‘અરે, તારી માલુકાકી તો હવે ઓનરશિપના ફલેટમાં રહે છે.
બે રૂમ કિચનનો સરસ મજાનો ફલેટ છે.’
‘શું કહે છે !’
અને એમનું જૂનું ઘર મારી આંખ સામે આવી ગયું.
ઘર શું...
એક નાનકડો વાડો જ હતો.
એ વાડામાં અમે બહુ રમતા,
ઝાડ પર ચઢતા.
એક સરસ મજાનો આંબો હતો...
અને,
એક ફણસનું ઝાડ.
આંબા ઉપર કેરી આવે કે -
માલુકાકી પહેલી અમારા ઘરે મોકલે.
ફણસ પણ મને બહુ ભાવે...
પણ,
એમનું ઘર બહુ જૂનું....
હવા-ઊજાશ ઝાઝાં નહીં.
પાંચ-સાત ઓરડા ખરા...
પણ,
કેટલાંક તો બહુ અંધારિયા !!
કુટુંબ બહોળું.
માલુકાકી કાયમ રસોડામાં જ હોય.
અમારું મકાન એમના વાડાને અડીને જ...
પછી,
અમે સોસાયટીમાં રહેવા ગયા...
પણ,
તોય અમારો સંબંધ એવો જ રહ્યો.
મારાં લગ્ન વખતે સો માણસનું રસોડું માલુકાકીએ જ સંભાળેલું.
આ બધું મારી આંખ સામે આવી ગયું...
‘ચાલો, સારું થયું !
જો કે બહુ મોટા ઘરમાં અને વાડામાં મોકળાશથી રહેલાં એટલે બે-રૂમ રસોડું નાનું પડતું હશે...
પણ,
હવે બહોળું કુટુંબ ક્યાં છે ?
માત્ર ચાર માણસ જ રહ્યાં ને !
પોતે બે જણ અને જયંત ને એની પત્ની.’
મા કાંઈક ગમગીન ચહેરો કરીને બોલી :
‘ચાર ક્યાં,
માત્ર બે જ જણ...
જયંત તો હવે જુદો રહે છે !!’
મને એકદમ આંચકો લાગ્યો :
‘શું કહે છે !
જયંત જુદો રહે છે ?
પણ એમ કેમ ?’
‘હવે એ તો કોણ કોને પૂછે ?
તારાં માલુકાકી તો જાણે છે ને,
કદી કોઈનું બૂરું ન બોલે...
પણ,
આપણે સમજી લેવાનું કે -
સાસુ-વહુને નહીં બનતું હોય.’
હું વિચારમાં પડી ગયો...
એકનો એક દીકરો જુદો રહેવા ગયો ?
માબાપ તો હવે ઉંમરવાળાં થયાં...
એમને આમ એકલાં પાડી દીધાં ?
હું ફોન કરીને માલુકાકીને મળવા ગયો.
ફોનમાં એમણે પ્રેમથી કહ્યું કે -
‘જમજે અમારી સાથે જ.’
હું જરીક ભારે હૈયે ગયેલો...
માલુકાકીએ બારણું ખોલ્યું.
મને જોઈને ખુશ-ખુશ થઈ ગયાં.
પાસે લઈને મારા મોઢે-માથે પ્રેમાળ હાથ ફેરવ્યો...
મારા ખબર પૂછ્યા -
‘કેટલા દિવસે તને જોયો !’
એમની આંખમાંથી પ્રેમ નીતરતો હતો...
કાકીને આટલાં ખુશખુશાલ જોઈને મને ગમ્યું.
હું થોડો હળવો થયો....
મેં જોયું કે -
ઘર પણ સરસ સજાવેલું હતું અને ચોખ્ખુંચણાક હતું.
એક ખૂણામાં સિતાર પડી હતી.
મેં પૂછ્યું :
‘આ સિતાર કોણ વગાડે છે ?’
‘કેમ વળી ?
હું વગાડું છું...
પહેલાં ઘરકામમાંથી વખત ક્યાં મળતો હતો ?
હવે મને વખત જ વખત છે.
બે જણનું કામ કેટલું ?
હવે તો અમે બંને સંગીતનો એક પણ કાર્યક્રમ છોડતાં નથી !!’
મને થોડી નવાઈ લાગી...
મને તો એમ કે -
બે ઘરડાં માણસ એકલાં એકલાં કેમેય જીવતાં હશે !
ઘર પણ અસ્તવ્યસ્ત હશે...
જિંદગીનાં રોદણાં રડતાં હશે...
તેને બદલે -
અહીં તો મેં જીવનનો નવો ધબકાર અનુભવ્યો !!
માધુકાકા પણ આનંદમાં હતા...
કોઈક કાવ્ય-સંગ્રહ વાંચતા હતા...
તેમાંથી -
બે સરસ કાવ્યો અમને વાંચી સંભળાવ્યાં...
ભોજનના ટેબલ ઉપર પણ વાનગીની નવીનતા હતી.
માધુકાકા કહે -
‘તારી કાકી રાંધણકળાના વર્ગોમાં જઈને નવું નવું શીખી લાવે છે !!'
કાકી બોલ્યાં :
‘નવું-નવું શીખવું તો પડે ને !
પહેલાં આવી મોકળાશ જ ક્યાં હતી ?’
છેવટે,
આટલા વખતથી સંકોચસર ન પૂછેલો પ્રશ્ન મેં પૂછી જ નાખ્યો :
‘જયંત કેમ છે ?’
મને હતું કે કાકીનો મૂડ બગડી જશે...
અને,
કાંઈક કડવું સાંભળવા મળશે !
પણ,
કાકી તો એવા ને એવા ઉત્સાહમાં જ બોલવા લાગ્યાં :
‘એકદમ મજામાં...
અહીં નજીક જ રહે છે...
પાંચ મિનિટના રસ્તે જ એનું ઘર છે...
તું એને પણ મળીશ ને !’
‘પણ કાકી,
એ જુદો કેમ રહે છે ?’
‘જો ભાઈ,
એ જુદાં નથી થયાં...
મેં જ એમને જુદાં રાખ્યાં છે...
- એમ કહું તો ચાલે.
મને મારો અનુભવ છે.
હું પરણીને આવી ત્યારથી ઘરમાં એવી ડૂબી ગઈ કે -
મારી જાતને ભૂલી ગઈ...
જુવાનીમાં દરેકને પોતપોતાની રીતે મ્હોરવાનો અવકાશ મળવો જોઈએ ને !
દરેકની પોતપોતાની ઈચ્છા હોય,
વિચારો હોય,
અરમાન હોય,
જીવવાની જુદી જુદી રીત હોય.
મને યાદ છે -
ભોજન કુકરમાં કરવાની મને ઈચ્છા...
પણ,
સાસુએ તેમ કરવા જ ન દીધું.
અરે,
ગેસ સુદ્ધાં લેવા ન દીધો.
રસોઈ તો સગડી ઉપર જ થાય....
આવું,
મારે મારી વહુ સાથે નહોતું થવા દેવું !! ’
પણ,
એમ તો સાથે રહીનેય થઈ શકે ને ?’
-મેં માર્મિક દલીલ કરી...
‘હા, થઈ શકે...
પણ,
તેમ છતાં નવી-નવી વહુને પોતાનું ઘર સ્વતંત્રપણે ચલાવવાની પૂરી મોકળાશ મળે તો ઘણું સારું...
એટલે -
છ મહિના સાથે રાખીને મેં જ કહ્યું કે...
હવે તમે જુદાં રહો.
એ લોકો તો માનતાં નહોતાં...
પણ,
મેં જ આગ્રહ કરીને જુદાં રાખ્યાં !!
મારી વહુ તો બહુ ડાહી છે....
એવી શરત કરીને ગઈ છે કે -
સગર્ભા થઈશ કે તુરત તમારી સાથે રહેવા આવીશ....
મને તમારી માતૃવત છત્રછાયા જોઈએ.
આજેય રોજ ફોન કરીને અમારી ખબર પૂછવાની જ.
દર શનિ-રવિ બંને આવીને અમારી સાથે જ ગાળે છે.
આ ઘરની સજાવટ બધી એની જ છે.
નાની-મોટી ખરીદી એ જ કરી લાવે...’
મને માલુકાકી માટે ખૂબ માન થયું.
મેં એમને ધન્યવાદ આપતાં કહ્યું :
‘તમે બધું તમારા નહીં,
વહુના દષ્ટિકોણથી જ અને વહુના સુખ માટે જ વિચાર્યું !’
માલુકાકી હળવું હસીને કહ્યું -
‘હા,
હું યે એકવાર 'વહુ' જ હતી ને !’
❤💜💙💛💚🧡🖤
Comments