Home    

પાઠ- જપ નો ભેદ - નીરુ આશરા

ધારા :-૧૫૪"પાઠ અને જપનો ભેદ : નીરુ આશરા એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે, શ્રીગુસાંઈજી શ્રી સર્વોતમ સ્તોત્રમાં આજ્ઞા કરે છે કે 'શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય: પઠત્યનુદિનં જન:' અર્થાત્ શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી શ્રી સર્વોતમ સ્તોત્રના પાઠ હમેશાં કરવા. અહીં શ્રીગુસાંઈજીએ પાઠ કરવાની આજ્ઞા કરી છે. પાઠ એટલે ઉચા સ્વરથી બીજા પણ સાંભળી શકે તેવી રીતે ઉચ્ચાર કરવો તે પાઠ કહેવાય. અને છેલ્લે પાછી એવી આજ્ઞા કરી કે 'અત: સર્વોતમ્ સ્તોત્રં જપ્યં કૃષ્ણ રસાર્થીભી :' અર્થાત્ કૃષ્ણરસની ઈચ્છાવાળાએ શ્રી સર્વોતમ સ્તોત્રના જપ કરવા. તો અહીં સંદેહ થાય કે આ બંનેમાં શું કરવું ? પાઠ કરવા કે જપ કરવા ? સમાધાનમાં કહેવાનું કે જયાં સુધી ચિતની સ્થિરતા ન થઈ હોય ત્યાં સુધી પાઠ કરવા. ચિત સ્થિર ન થયું હોય અને જપ કરવામાં આવે તો ચિત અનેક ઠેકાણે ભટકવા માંડે છે. તેથી જપ ન કરતાં પાઠ જ કરવા. ઉચ્ચારપૂર્વક પાઠ કરવાથી ચિતની શુદ્ધિ થાય છે. ચિત શુદ્ધ થયા પછી ભટકતું નથી. અને સ્થિર થાય છે. આ રીતે ચિત સ્થિર થયા પછી જપ કરવા. જપ એટલે હોઠ પણ ફફડે નહીં અને માનસિક જ ઉચ્ચાર થાય તે જપ કહેવાય. જપ ઈષ્ટ સ્વરૂપના ધ્યાનપૂર્વક કરાય. આ ધ્યાન ચિતની સ્થિરતા હોય તો જ થઈ શકે છે. ટુંકમાં કહેવાનું કે ચિત સ્થિર હોય તો ઈષ્ટ સ્વરૂપના ધ્યાનપૂર્વક જપ કરવા. અને ચિત અસ્થિર હોય તો પાઠ કરવા. ધારા :-154


Comments