• Gallery
 • Browse by Category
 • Videos
 • Top Rated Articles
 • Public TimeLine
 • News RSS Feeds
 • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
 • "શરણાઈના સુર”લેખક :- મુકેશ સોજીત્રા,Sankalan : Geeta Doshi
  editor editor on Tuesday, August 28, 2018 reviews [0]
  "શરણાઈના સુર”લેખક :- મુકેશ સોજીત્રા,Sankalan : Geeta Doshi પોસ્ટ: સંજય ભટ્ટ
  Mumbai :"અબ્દુલ આવતા મહીના ૧૪ તારીખે વચંત પંચમીના દિવસે રીંકલના લગ્ન છે.. તારે મોડામાં મોડું ૧૩ તારીખે બપોર સુધીમાં પહોંચી જવાનું છે, મારી એકની એક દીકરીના લગ્ન છે. ધામધૂમથી લગ્ન કરવાના છે. જમાઈ સુહાસકુમાર કેનેડામાં સોફ્ટવેર એન્જીનીયર છે. પંદર દિવસ પહેલા જ બધું ગોઠવાયું છે. રીંકલ એના મામાને ત્યાં સુરત ગઈ હતી એમાં સુહાસકુમાર ની માતાએ રીંકલને જોઈ.મનમાં વસી ગઈ એણે રીંકલના મામા ને વાત કરી. જોણ ગોઠવાયુ. રીંકલને સુહાસકુમાર ગમી ગયા અને એટલે જ તાત્કાલિક લગ્ન લેવાયા છે. લગ્ન પછી એકાદ મહિનો સુધી સુહાસ કુમાર ભારતમાં રહેશે પછી કેનેડા જવાના છે. એટલે તારે અને સકીના એ બાપ દીકરીએ ૧૩ તારીખે આવી જ જવાનું છે. સુહાસ કુમારના મિત્રો કેનેડાથી અને દિલ્હીથી આવવાના છે. તારી શરણાઈના સુરે મારી દીકરી વળાવવાની ઈચ્છા છે!! બોલ છે ને ખુશીના સમાચાર!!”
  જગા શેઠે અબ્દુલને કહ્યું. અબ્દુલની આંખ ભીની થઇ ગઈ અને એ બોલ્યો.
  “અરે શેઠજી તમે ના કહો તો પણ હું તો આવું જ ને!! તમે મારા શેઠ કહેવાવ શેઠ!! તમારે તો મને હુકમ કરવાનો હોય હુકમ.. બહુ સારા સમાચાર આપ્યા જુઓને તમારી દીકરીના લગ્નમાં હું એવી શરણાઈ વગાડીશ કે લોકો દંગ રહી જશે!! શેઠ સાહેબ તમારી દીકરી એ મારી દીકરી જ ગણાય ને” અબ્દુલે બે હાથ ઉપર લંબાવીને કહ્યું.
  “ અને હા બીજી વાત.. કે તને તારી એકની એક દીકરી સકીનાના સોગંદ છે જો ના પાડીશ તો.. તને સારી એવી રકમ પણ આપવાની છે એ તારે લેવી જ પડશે.. અત્યાર સુધી તે મારું બહુ માન રાખ્યું છે. દીકરાના લગ્નમાં ભલે ને તે એક પાઈ ના લીધી પણ આ મારે દીકરીનો પ્રસંગ છે અને છેલ્લો પ્રસંગ છે મારે બધાને ખુશ કરવાના છે. અને આ લે તારા માટે સુરત થી બે જોડી તૈયાર સુરવાળ અને કફની લેતો આવ્યો છું.અને બેટા સકીના તારા માટે પણ રીંકલે આ ત્રણ જોડી ડ્રેસ મોકલાવ્યા છે. લગ્નમાં પહેરવા માટે” કહીને જગા શેઠે બે થેલીઓ અબ્દુલ આગળ મૂકી. અબ્દુલે બે ય થેલીઓ લીધી અને બારણાની વચ્ચે ઉભેલી સકીનાને આપીને કહ્યું.
  “શેઠ આની કોઈ જરૂરત નહોતી.. પણ તમે લાવ્યા જ છો એટલે લઇ લઉં છું બેટા સકીના જગા શેઠ માટે ચા મૂક્ય..
  ચા પીને જગા શેઠ જવા રવાના થયા વાર તારીખ ફરીથી યાદ દેવડાવ્યા!! સકીનાને ૧૦૦ ની નોટ આપી અને જગા શેઠની કાર રસ્તા પર ચાલતી થઇ!!
  જગા શેઠ અને અબ્દુલ વચ્ચે ત્રીસ વરસનો ગાઢ સંબંધ હતો..!! સબંધ પણ અચાનક જ બંધાઈ ગયો હતો.. અમુક સબંધો માટે ખાસ પ્રબંધો કરવા પડતા નથી એ આપોઆપ સર્જાય છે!! આમ તો જગા શેઠનું વતન ચલાળા પાસે આવેલ એક નાનકડું ગામ.. જાતના પટેલ અને ખેતી સારી!! ચલાળા થી ધારી વચ્ચે એક ફળદ્રુપ જમીનનો એક લાંબો પટ્ટો આવેલો છે એ પટ્ટામાં જગા શેઠ ને દોઢસો વીઘા ચુરમા જેવી જમીન હતી. સાથોસાથ પાણીનું જુના વખતનું એક નવાણ પણ હતું જેમાં ગમે એવડો દુષ્કાળ પડે પાણી ખૂટતું જ નહિ.. ગામના વૃદ્ધ વ્યક્તિઓ કહેતા કે છપ્પનિયા કાળમાં પણ નવાણમાં પાણી ભરપુર હતું!! જગા પટેલના બાપા કાળું ભાઈ કાંડા બળિયા અને મહેનતુ હતા. એજ વારસો જગા પટેલમાં ઉતર્યો હતો. ઘરે સુખ સાયબીનો પાર નહોતો..!!
  ત્રીસેક વરસ પહેલા જગા પટેલ કેરીઓ લેવા તાલાળા ગીર ટ્રેનમાં બેસીને ગયેલા. તાલાળા રેલવે સ્ટેશન પર ઉતરીને એ હાલીને આજુબાજુ આવેલ આંબાવાડીયામાં નજર નાખતા હતા. એ વખતે એની ઉમર ૨૫ વરસની હશે. તાલાળાની મુલાકાત લેવાનું કારણ એટલું જ હતું કે અઠવાડિયા પછી એને ઘરે ભાગવતની સપ્તાહ બેસવાની હતી. અને જગા શેઠના બાપા કાળું શેઠ ને એવી ઈચ્છા હતી કે આ વખતે ભાગવત કથામાં જે સબંધીઓ અને ભાવિકો કથા રસ પાન કરવા આવે એને ખાવામાં કેરીનો રસ અને પીવામાં શેરડીનો રસ સાતે સાત દિવસ આપવો. શેરડી માટેની વ્યવસ્થા તો થઇ ગઈ હતી પણ આટલી બધી કેરીની સગવડ કરવા માટે એ તાલાળા આવ્યા હતા. એક મોટા આંબાવાડિયા પર એની નજર ઠરી. ઝાંપો ખુલ્લો હતો અને આંબાવાડીયામાં કોયલના ટહુકા સંભળાતા હતાં. આજુબાજુ એક બે મોર પણ નજર આવ્યાં અને થોડે આઘેરૂ કોઈ શરણાઈ વગાડતું હોય એવું લાગ્યું.!! જગા શેઠ ત્યાં ગયેલા અને એક અઢારેક વરસનો છોકરો એક આંબાની ડાળ પર ચડીને શરણાઈના સુર રેલાવી રહ્યો હતો!! અબ્દુલ સાથેની એની આ પહેલી મુલાકાત!!
  અબ્દુલ એ આંબાવાડિયામાં રખેવાળીનું કામ કરતો હતો. આંબાવાડિયાના માલિક સાથે વાત થઇ. કેરીનો ભાવતાલ થયો સાટું નક્કી થયું.. રોજે રોજે ચાલીશ મણ પાકલ કેરી તાલાળાથી ટ્રેનમાં ચડાવી દેવામાં આવશે. એ ચલાળા ઉતરી જશે.. બાનું દેવાઈ ગયું. જગા શેઠે અબ્દુલ વિષે પૂછ્યું..!! આંબાવાડિયાના માલિક દેવાયતભાઈ કહ્યું.
  “એ છોકરો બાર વરસથી મારે ત્યાં છે..!! મને જ્યારે એ મળ્યો ત્યારે માંડ છ વરસનો હતો. હિન્દી બોલતો હતો. એ પોતાનું નામ જ બોલી શકતો હતો... એ વરસે અહી હિરણ નદી ગાંડીતુર બની હતી. બે ત્રણ ટ્રક એમાં તણાઈ ગયેલા હતા. યુપી બાજુના ટ્રક હતા.. અહી સાસણમાં બાંધકામનું ચાલે છે ત્યાં કામ કરતા હતા. છોકરાનો ફોટો પણ છાપામાં આપેલો.પોલીસે બે ત્રણ દિવસ છોકરાને રાખ્યો.સાસણ અને તાલાળા અને છેક વેરાવળ સુધી બધે પૂછી જોયું..!! પોલીસે છેવટે અનાથાશ્રમમાં આ છોકરાને મુકવાનું નક્કી કર્યું હતું. આ છોકરો મને મળ્યો હતો એટલે કાગળિયાંમાં સહી કરવા માટે હું પોલીસ સ્ટેશન ગયેલો મારી ઘરવાળી શાંતુ મારી જોડે!! છોકરો મને જોઇને વળગી ગયો!! એને મારી સાથે આવવું હતું. શાંતાને જોઇને એ બોલ્યો “અમ્મી” અને શાંતાતો આભી જ બની ગઈ. મને એક બાજુ લઇ જઈને કહે કે આ ફૂલ જેવડા છોકરાને અનાથાશ્રમમાં થોડો મુકાય એ આપણી જોડે વાડીએ પડ્યો રહેશે!! બસ અબ્દુલને અમારી સાથે લઇ આવ્યાં. લોહીના ગુણ હોય કે ભગવાનની ભેટ એ શરણાઈ સરસ વગાડે છે!! એવી સરસ કે વાત ના પૂછો..!! હવે તો ગુજરાતી પણ બોલે છે અને આંબાવાડિયાનું બધું જ ધ્યાન રાખે છે!! અબ્દુલ મારા દીકરા કરતા વિશેષ છે” જગા શેઠને પણ અબ્દુલ પ્રત્યે લાગણી થઇ આવી.!!
  બસ પછી તો ખુદ અબ્દુલ સપ્તાહના ચોથા દિવસે કેરીઓ લઈને ચલાળા ટ્રેનમાં ઉતર્યો.જગા શેઠ એને ઘરે લઇ ગયા. ભાગવત સપ્તાહમાં એણે શરણાઈ વગાડી!! અને સહુ આભા જ બની ગયા. શાસ્ત્રીજીએ બે ત્રણ વૃંદાવનના વ્રજભાષામાં ગીતો ગાયા અને અબ્દુલે એવી તો શરણાઈ વગાડી સહુની આંખમાં આંસુઓ હતા. વળતી ટ્રેનમાં જગા શેઠે દેવાયતભાઈ ને સંદેશો મોકલ્યો કે અબ્દુલ હવે સપ્તાહ પૂરી થશે ત્યારે જ આવશે!! જુના ફિલ્મના ગીતો પર અબ્દુલ અદ્ભુત શરણાઈ વગાડતો. સપ્તાહ પૂરી થઇ ભાગવત સપ્તાહ વાંચનાર શાસ્ત્રીજી જગતપ્રકાશજી એ કથા પૂરી થયા પછી કહ્યું.
  “જગા ભાઈ આ છોકરાને ગળથૂથીમાં શરણાઈના સુર મળ્યા છે. હું ચાર વરસ વૃંદાવન રોકાયો છું. ત્યાના સારા સારા શરણાઈવાદકો સાંભળ્યા છે પણ અબ્દુલમાં જે ઊંચાઈ અને કરુણતા આવે છે એ ત્યાં કોઈનામાં નથી. આ તો ચિંથરે વીંટ્યું રતન છે. કોઈ અલગારી ફકીર ઓલિયો છે. જીવનભર સંબંધ સાચવશો તમારા જીવનમાં દુઃખ ક્યારેય નહિ આવે આ અબ્દુલના રૂપમાં તમને ઓલિયો મળી ગયો છે”
  બસ પછી તો જગા શેઠ આજુબાજુમાં કોઈ સબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોય ને તો અબ્દુલ ને કહી દે કે તારે શરણાઈ વગાડવા આવવાનું છે અને અબ્દુલ તૈયાર જ હોય!! ના કોઈ ભાવ તાલ કે ના કોઈ રકઝક!! જગા શેઠ જે રકમ અપાવે ઈ લઇ લે પણ એક વાતનું નિયમ કે જગા શેઠ કહે ત્યાંજ એ શરણાઈ વગાડવા જાય બાકી કોઈ ગમે એટલા રૂપિયાની ઓફર કરે અબ્દુલના હોઠ પર શરણાઈ ના જાય એ ના જાય. સબંધ ઘાટો થતો ગયો.ત્રણ વરસ પછી અબ્દુલ સાસણ પાસેના એક ગામમાં પરણ્યો પણ ખરો. વરસ દિવસ પછી અબ્દુલને ત્યાં સકીનાનો જન્મ થયો. સકીના પાંચ વરસની હતી ત્યારે એની માતા ફાતીમાનું મૃત્યુ થયું હતું!!
  જગા શેઠના દીકરાના લગ્નમાં પણ અબ્દુલ સકીના સાથે આવ્યો હતો. જાન પરણવા મહુવા ગઈ હતી. અને વરઘોડા વખતે જે શરણાઈ વગાડી અબ્દુલે તેના પર જાનૈયા તો પાગલ થઈને નાચ્યા પણ રસ્તે નીકળનાર મહુવા વાસીઓ પણ થંભી ગયા હતા.!! ખાસ તો કન્યા વિદાય વખતે અબ્દુલ
  ” બાબુલકી દુઆએ લેતી જા જા તુજકો સુખી સંસાર મિલે!!” એ શરણાઈ એ એટલું ઘૂંટીને કરુણ વગાડતો કે કઠણ કાળજાના લોકોની આંખમાંથી પણ રીતસરના આંસુઓ વહેવા લાગતા હતા. વાતાવરણ એટલું કરુણ બનતું કે આજુબાજુ સુનકાર અને એક ગમગીનીભર્યો સન્નાટો પ્રસરી જતો!!
  સમય વીતતો ચાલ્યો.. દર ઉનાળે આંબા વાડિયામાં પેલો ફાલ આવે એટલે ચાર ટોપલા કેરીઓ લઈને અબ્દુલ દેવાયતભાઈની રજા લઈને પોતાની દીકરી સાથે એક દિવસ માટે જગા શેઠને ત્યાં આવે.. જગા શેઠની રીંકલ અને સકીના આખો દિવસ સાથે કાઢે!! અને વળી બીજા દિવસની ટ્રેનમાં જગા શેઠ એને ચલાળાથી વિદાય આપે!! શિયાળામાં લગ્ન પ્રસંગની સિઝનમાં અબ્દુલની શરણાઈ વાદનનું એડવાન્સ બુકિંગ થઇ જાય!! અને એ પણ જગા શેઠ પાસે જ .. જગા શેઠ જ બધી તારીખો ગોઠવી આપતા..!! અબ્દુલ પાસે હવે સારા પ્રમાણમાં પૈસા આવતા હતા. તેમ છતાં એ પૈસો એણે પોતાના માટે ક્યારેય વાપર્યો નહોતો. બાપ દીકરીને જોઈએ એટલા ખપ પુરતા પૈસા એ રાખીને બાકીના પૈસાની ખેરાત કરી દે!! દર શુક્રવારે એ મસ્જિદની બહાર જરુરીયામંદ લોકોને ખાવાનું કે કપડા વહેંચતો હોય અથવા તો તાલાળાથી નીકળતી ટ્રેનમાં જે કોઈ ફકીર ,સાધુ કે જરૂરિયાતમંદ લોકો મળી આવે એને યથા શક્તિ મદદ કરે!! રહેવાનું તો આંબાવાડિયામાં જ!! ઘણા વરસો સુધી કાચા મકાનમાં રહ્યા પછી એક વખત દેવાયતભાઈ બરાબરના ખીજાયા પછી માંડ માંડ અબ્દુલે સારું કહી શકાય એવું મકાન કરેલું..!! બસ સવાર સાંજ નમાઝ , આંબાવાડિયાનું ધ્યાન , પોતાની દીકરી સકીના, અને શરણાઈ!! અબ્દુલના જીવનનો ચતુષ્કોણ અહી જ પૂરો થઇ જતો હતો!!
  લગ્નની તારીખ નજીક આવી જતી હતી. તડામાર તૈયારીઓ ચાલતી હતી. આઠ તારીખે વળી જગા શેઠે એક માણસને તાલાળા મોકલી આપ્યો અને અબ્દુલને કંકોતરી પહોંચાડી.
  “શેઠ સાહેબને કહેજો કે ચિંતા ના કરે હું ૧૩ તારીખે આવું છુ.. હૈયે ધરપત રાખે” અબ્દુલે કહ્યું. (part second will be tomorrow)
                             

    Comments
  » Not yet reviewed by any member. You can be the first one to write a review.
  
  » You must be logged in to post a comment