• Gallery
 • Browse by Category
 • Videos
 • Top Rated Articles
 • Public TimeLine
 • News RSS Feeds
 • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
 • Sasu Vinanu Sasaru : Niru Ashra
  Sasu Vinanu Sasaru : Niru Ashra editor editor on Saturday, October 6, 2018 reviews [0]
  સાસુ વિનાનું સાસરું : નીરુ આશરા- મુંબઈ
  સુહાની હજી કૉલેજથી પાછી જ ફરી હતી કે બેઠકખંડમાં કોઈ મહેમાનને બેઠેલા જોઈ સહેજ સંકોચાઈ હતી. ઉપરછલ્લી એ લોકો તરફ એક નજર નાખી એ ફટોફટ અંદર જતી રહેલી. ત્યાંજ મમ્મીની બૂમ આવેલી,
  “ સુહાની બે કપ ચા લેતી આવજે બેટા ! ”
  સુહાનીને ગુસ્સો આવી ગયેલો. મમ્મી જુએ છે કે હું હજી હાલ કૉલેજથી ચાલી આવી છું અને તોય મને જ ચા બનાવવાનું કહે છે ! એ રસોડામાં ગઈ અને ચા મૂકી.
  ચા લઈને એ બેઠકખંડમાં ગઈ ત્યારે ત્યાં હાજર બધી નજરો એના ઉપર જ તકાયેલી હોય એમ એણે નીચી નજરેય નોંધ્યું.
  “ બેસ બેટા !” મમ્મીએ હાથ પકડીને એને બેસાડી દીધી.
  “ સરસ ! ખૂબ સુંદર. સાચું કહું તો મને મારા કિશન માટે આવી જ રૂપાળી વહુ જોઈતી હતી. એય કેટલો રૂપાળો છે પછી એની સાથે શોભે એવી તો જોઈએ જ ને ! ” ઘરે આવેલા વડીલ બોલેલા.
  હવે સુહાનીને ભાન થયું આ લોકો એને જોવા આવ્યા હતા. એણે સહેજ જ નજર કરી હતી કિશન તરફ. એ ખરેખર રૂપાળો હતો.
  એ લોકો પછી નીકળી ગયા. છોકરા છોકરી વચ્ચે એકાંતમાં કોઈ વાત ના થઇ. સુહાની એ ઇચ્છતી હતી પણ, એની મરજી કોઈએ પૂછી જ નહિ. લગ્ન માટે સામેથી હા આવેલી અને લગ્ન નક્કી થઈ ગયા. સુહાનીને આ વખતે પણ કોઈએ કંઈ ના પૂછ્યું !

  એની મમ્મીનાં મત મુજબ છોકરો રૂપાળો છે, સારું કમાઈ લે છે, ઘરબાર સારા છે પછી બીજું શું જોઈએ ? સુહાની પછી એની નાની બેનનું પણ એમણે ઠેકાણું પાડવાનું હતું. સુહાની થોડી આળસું હતી એની મમ્મીનાં મતે એટલે એના માટે આ જ ઘર યોગ્ય હતું. બાપ દીકરો બે જ જણ હતા ઘરમાં, સાસુની કોઈ ખટપટ નહિ. આવું સાસરું તો નસીબદારને મળે ! સાસુ વિનાનું સાસરું !
  સુહાનીના લગ્ન લેવાઈ ગયા. નવા ઘરમાં આમતો એને બધી વાતે શાંતિ હતી પણ એના સસરા એને ઘણી વખત અકળાવી મૂકતા.
  સવારે સુહાનીને ઉઠતા જો થોડુક મોડું થઈ જાય તો એ રસોડામાં પ્રવેશે ત્યારે એના સસરાએ ચા મૂકી દીધી હોય.
  “ આજે થોડું મોડું થઈ ગયું દીકરા ? કંઈ વાંધો નહિ મે ચા બનાવી લીધી છે. કિશનને મોડું ના થવું જોઈએ. મગના ખાખરાનો ડબો અને આ મોળા મરચા એને નાસ્તામાં આપજો, એને બહું ભાવે."
  કિશન ચાનો ઘૂંટ પીતા જ કહી દેતો, “ ચા પપ્પાએ બનાવી છે ને ! એક કપ બીજો લાવજે ને પ્લીઝ ! ”
  સુહાની રસોડામાં જતી તો વધારે ચા પહેલેથી જ તૈયાર જોતી. વાત ફક્ત ચાની ન હતી. દરેક વસ્તુમાં એના સસરા કિશન માટે કંઇક ને કંઇક કરતા અને કિશન એમના વખાણ કરતો. સુહાનીને આ પસંદ નહતું આવતુ.
  એ લીલા રંગની સાડી પહેરી કિશન સાથે બહાર જવા તૈયાર થતી તો તરત એના સસરા કહેતા, “ ના, ના, દીકરા કિશનને આ રંગ નથી ગમતો. હું કઉ તું ગુલાબી રંગની સાડી પહેરી લે. જો ન હોય તો ખરીદી લાવ. તારા સાસુને સાડીઓનો ખૂબ શોખ હતો. કબાટ ભરીને એમની સાડીઓ એવી ને એવી પડી છે જો જૂની ના લાગે તો એમાંથી પહેરી લે ! ”
  સાંજે એણે ઢોસા બનાવ્યા હોય તો તરત એના સસરા એમની એક્સપર્ટ સલાહ આપવા રસોડા સુંધી આવી જતા.

  “ દીકરા, કિશનને નારિયેળની ચટણી વગર નહી ચાલે. તાજુ જ નાળિયેર જોઈશે હો... ના હોય તો હું ગાંધીને ત્યાંથી લઈ આવું.”
  સુહાની કમને નારિયેળની ચટણી પિસતી હોય ત્યારે કઈ સામગ્રી કેટલી નાખવી એનું ધ્યાન એના સસરા બીજા રૂમમાં રહે રહે રાખતા જ હોય ! જો સુહાની કોઈ વાતે આનાકાની કરે તો તરત એના સસરા જાતે એ કામ કરી લેતા. સુહાનીને એનાથી બહુ ખરાબ લાગતું.

  આવી નાની નાની રોક ટોક વગર એના સસરા શૈલેષભાઈની બીજી કોઈ વાતે માથાફૂટ ન હતી પણ, આ નાનકડી રોકટોક જ સુહાની માટે માથાનો દુખાવો બની ગઈ હતી...સાસુ વિનાનું સાસરું આ મૂછાળી સાસુ સાથે સુહાનીને પસંદ ન હતું
  એકવાર બંને બહાર ગયેલા. કિશન અને સુહાનીને ઘરે આવતા થોડું મોડું થયેલું. શૈલેષભાઈનો ફોન આવી ગયેલો બે વાર ! વરસાદ અંધાર્યો હતો અને સુહાનીને આઇસ્ક્રીમ ખાઈને જ ઘરે જવું હતું.
  બંને ઘરે આવ્યા ત્યારે પલળી ગયા હતા. શૈલેષભાઈએ બંનેને ખખડાવેલા થોડાંક. કિશનને સરદી થઈ ગયેલી. બે દિવસ તાવ આવી ગયો ત્યારે શૈલેષભાઈ બધી મર્યાદાઓ મૂકીને દીકરા વહુના ઓરડામાં બે દિવસ અને રાત બેસી રહેલા. આખી રાત કિશનનું માથું અને હાથ પગ દાબી આપેલા. છાતી પર, પિંઠ પર બામ ચોળી આપેલો...
  સુહાનીથી આ વખતે ના રહેવાયું. એનું મોઢું ચડી ગયું. એણે થતું હતું કે એને કરવાના કામ એના સસરા જ કરે જાય છે....સાસુ નથી ઘરમાં પણ અહીં સસરા મૂછાળી સાસુ થઈને બેઠા છે એનું શું ? સુહાનીને લાગતું કે એના સસરાની આટલી મમતાને લીધે જ કિશન અને એના વચ્ચે જે પ્રેમ ખીલવો જોઈએ એ હજી નથી ખીલ્યો. જે નાની નાની દરકાર કરી એક સ્ત્રી એના પતિના દિલમાં પોતાનું સ્થાન જમાવતી હોય એ બધું અહીં એની મૂછાળી સાસુ જ કરતી હતી...અંદર ને અંદર ધૂંધવાયેલી સુહાની આખરે રડી પડી.
  બહાર હીંચકા પર બેસી સુહાની રડી રહી હતી. એની બાજુમાં જ રહેતા માસી કોઈ દિવસ નહીં ને આજે એની પાસે આવેલા. સુહાનીએ ફટોફટ આંસુ લૂછી નાખ્યા.

  “ આવોને માસી ! કંઇ કામ હતું ?”
  “ ના રે ના ! કામ તો કંઇ નથી આતો તને અહીં બેઠેલી જોઈ તો થયું લાવ બે ઘડી વાતો કરતી આવું. કિશનને તાવ છે ?” સુધામાસીએ ધીરેથી વાત ચાલુ કરી.
  “ હા. અમે લોકો થોડા દિવસ પહેલા પલળેલાને એટલે એમને તાવ આવી ગયો. ” સુહાની દાજમાં જ બોલી ગઈ.
  “ લે તે એમાં શું ? હવે આ ઉંમરે નહીં પલળો તો ક્યારે પલળશો ? ” એ જોરથી હસી પડ્યા.
  “ કિશનની મમ્મીએ બળ્યું આવું જ કરતી. શૈલેષભાઈને સરદી થઈ જાય તો કહેતી બે કપ આદુવાળી ચા વધારે પી લેજો પણ મારું ચોમાસું ના બગાડો ! અને શૈલેષભાઈ પણ માની જતા. એમનો જ સરદીનો કોઠો કિશનને વારસામાં મળ્યો છે. બંને બાપ દીકરો જશોદાના ગયા પછી કદી વરસાદમાં ભીંજાયા જ નથી. સારું થયું તે કિશનને બહાર કાઢ્યો.”
  “ જશોદાબેન અને શૈલેષભાઈ એકમેકને એટલું સરસ રીતે સમજતા !” સુધામાસીએ થોડીવાર અટકીને વાત શરુ કરી. “ પેલું શું કેય છે દો જીસ્મ એક જાન, એના જેવું જ. નાનકડી ઉંમરમાં એ માંદગીમાં પટકાયા ત્યારે જતા જતા શૈલેષભાઈ પાસેથી વચન લીધેલું કે એ એમના કિશનને એની મા બનીને સાચવશે. કિશનની જશોદા બનીને રહેશે. કદી એમના દીકરાને કોઈ વાતે ઓછું નહીં આવવા દે.”
  “ શૈલેષભાઈ પણ કહેવું પડે ! મરતી પત્નીને આપેલું વચન અક્ષરસ પાળી બતાવ્યું. નોકરી, ઘરની જવાબદારી બધું એકલા હાથે સંભાળ્યું. કિશન જે કહે એજ સાંજની રસોઈમાં બને. ના આવડતું હોય તો શીખીને બનાવે પણ બહારથી ના લાવે...! એકવાર તો કિશનને એની બા બહુ યાદ આવી ગયેલી. કોઈ ગુજરાતી પીચ્ચર જોઈને આવેલો, “ ખોળાનો ખૂંદનાર ", હજી મને નામ યાદ છે. એની માની સાડીમાં મોઢું નાખીને એ રડતો હતો ને શૈલેષભાઈ જોઈ ગયા. મારી પાસે આવ્યા અને મને કહે બહેન તમે પૂછોને મારો કિશન કેમ રડે છે ? મારા પ્રેમમાં ક્યાં કચાશ આવી ? હું ક્યાં ભુલો પડ્યો ? એને આમ રડતો મારાથી નહી જોવાય !”

  મેં કિશનને મારી પાસે બેસાડી પ્રેમથી સમજાવેલો. એણે ફિલ્મની વાત કરી અને એને એની બા યાદ આવી ગઈ એ પણ જણાવ્યું. મેં એ બધું એના પપ્પાને કહેલું. કંઈ ચિંતા જેવું નથી. તમે ગમે એટલું સાચવો તોયે છોકરું છે ક્યારેક એની બા યાદ આવી જાય.
  “ હા. તમારી વાત બરોબર છે. જશોદાની યાદ આવી જાય. એ હતી જ એવી. હું હવે મારા દીકરાનું વધારે ધ્યાન રાખીશ ”
  આવા માણસો બહુ ઓછા જોવા મળે સુહાની. એમણે એમની આખી જિંદગી દીકરા પાછળ ખર્ચી નાખી. બીજીવાર લગ્ન પણ ના કર્યા. દીકરાનું ધ્યાન રાખવું એ એક જ એમના જીવનનું લક્ષ્ય છે, મરતી પત્નીને વચન આપેલું ! તારા ઉપર પણ એમને અપાર વહાલ છે. તું એમની રોકટોકથી અકળાઈ જાય છે એની એમને ખબર છે છતાં તારા ઉપર જરીકે ગુસ્સે થયા વગર તને સતત માર્ગદર્શન આપતા રહે છે જેથી તું અને કિશન સારી રીતે, સુખેથી જીવો ! આજે તને રડતી જોઈ ને એમનાથી ના રહેવાયું. એમણે જાતે આવીને મને કહ્યું કે હું તારી સાથે વાત કરું. તને એમના લીધે તકલીફ હોય તો કહી દે એ કોઈ બહાનું કરીને ગામડે રહેવા જતા રહેશે. કિશનને આ વાત ક્યારેય નહિ જણાવતી. એમના મતે એમનો દીકરો ખૂબ લાગણીશીલ છે એને જરાય દુઃખ ના પડવું જોઈએ.
  સુહાની શું બોલે. એ ચૂપ હતી. સસરાની ટક ટક એને પરેશાન જરૂર કરતી હતી પણ એનો એવો મતલબ હરગિજ ન હતો કે એ ઘર છોડીને ગામડે ચાલી જાય. સુહાની ઊભી થઈ અને ધીરે પગલે અંદર ગઈ.
  શૈલેષભાઈ સોફામાં બેઠા કપડાંની ગડી કરી રહ્યા હતા. બીજો કોઈ દિવસ હોત તો સુહાનીને આ જોઈને અણગમો થયો હોત. એ પોતે ના કરી લેત, શી જરૂર છે એના સસરાને આવા બૈરાના કામ કરવાની ! પણ, આજે એ એવું ના વિચારી શકી.
  “ પપ્પા...મારે તમને કંઇક કહેવું છે !" સુહાની ધીરેથી બોલી.
  “ બોલ ને દીકરા !” શૈલેષભાઈએ સામેના સોફા પરથી ગડી કરેલ કપડાં ઉઠાવી સુહાનીને બેસવાની જગા કરી આપી.

  સુહાની ત્યાં બેઠી. થોડીવાર ચૂપ રહી. શૈલેષભાઈના કાન એ શું કહે છે એ સાંભળવા આતુર થઈ રહ્યા.“ પપ્પા, હું મમ્મી બનવાની છું. તમે દાદા ! મને ત્રીજો મહિનો જાય છે. હું મુંઝાતી હતી કે આ વાત કોને કહું કિશનને આ વાત કરતા પહેલા પાકી ખાતરી કરી લેવા માંગુ છું. મારે ડૉક્ટરને બતાવવા જવું છે....તમે મારી સાથે આવશો ? એકલા જતા મને ડર લાગે છે, તમે આવશોને મારી સાથે ?” સુહાની રડમસ અવાજે બોલી હતી.“ ચોક્કસ દીકરા ! જરૂર આવીશ. આ ખબર આપીને તો તમે મને ફરી યુવાન બનાવી દિધો. જશોદા તું દાદી બનવાની અને હું દાદા ! હું મારા વ્યાજને સંભાળીશ તમે કિશનને સંભાળજો અને જો કહી દવ છું આજથી તમારા રસોડામાં આંટાફેરા બંધ. હું જેમ કહું એમ જ તમારે કરવું પડશે. ” શાૈૈૈલેષભાઈની આંખોમાં આંસુ હતા અંને હોઠો પર સ્મિત..“ જી પપ્પા ! ”સસરા વહુ બંનેની આંખો વરસી પડી. સુધામાસી હળવેથી એમના ઘરે પાછા જતા રહ્યા આંખો તો એમની પણ ભીંજાયેલી હતી....
                             

    Comments
  » Not yet reviewed by any member. You can be the first one to write a review.
  
  » You must be logged in to post a comment