• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • 'કન્યાદાન' : By Smita Shah
    'કન્યાદાન' : By Smita Shah editor editor on Sunday, August 14, 2016 reviews [0]
    'કન્યાદાન' : By Smita Shah
    •••••••••••••
    "બેન અમારે તો કંકુ ને કન્યા જ લઇ જવાની છે . સાધારણ લોકો છે .બાપ હમણાં જ ગુજરી ગયો .દવાદારૂમાં ખાલી થઇ ગયા છે .પણ દીકરાને ગમી ગઈ એટલે ..."
    માંડવે આવેલા માલેતુજાર વેવાણનાં વેણ સાંભળી યશોધરાબેનની આંખોમાં આંસુ ધસી આવ્યા .ભર બજારે કોઈએ કપડાં ઉતારી લીધા હોય એટલી નાનમ થઇ આવી .ત્રાંસી નજરે જોયું તો વેવાણ અને એમની બેનપણીઓ મોઢે આડો હાથ દઈ હસતી હતી.
    જિંદગીની ઘટમાળ એમને નિરાધાર દશા સુધી લઇ આવી હતી .મૃત પતિની યાદમાં એમની છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો ...
    'કન્યા પધરાવો સાવધાન' ... ગોર મહારાજની બુમ પડી .યશોધરાબેન થોડા સ્વસ્થ થઇ દીકરીને લેવા ઓરડા તરફ વધ્યા ...ઢીંગલીની જેમ શણગારેલી દીકરી માને વળગી ખુબ રડી પડી .સગાવ્હાલાએ શોધી આપેલા છોકરાને દીકરીએ વગર વિચાર્યે હા પાડી દીધી .કારણ માની ચિંતા ઓછી થાય .
    દીકરીને લઇ યશોધરાબેન મંડપ તરફ આગળ વધ્યા .દીકરીને પાટલે બેસાડતા આછું ડૂસકું ભરાઈ ગયું. પિયરમાં પણ કોઈ નહોતું કે દીકરીને મોસાળું પણ કરે .
    વિધિ ચાલુ થઇ .વેવાણ તુચ્છતાથી એમની અને એમની દીકરી સામે જોતા હતા . એક બેનપણી બોલી ."તું તો ફાવી ગઈ .મૂંગી ગાય લઇ આવી .રાજ કરજે રાજ .!!"
    વેવાણ મોઢું મચકોડી હસી પડ્યા .વેવાણની બેનપણીઓ તાળીઓ દઈ વ્યંગમાં હસવા લાગી . આ બધું ત્યાં હાજર રહેલા લોકોની નજરમાં છાનું નહોતું .સમસમી ઉઠેલા યશોધરાબેનની નજર સામે દીકરીનું ભવિષ્ય તરવરવા લાગ્યું ...
    ગોર મહારાજ કન્યાદાન કરવા માટે બોલાવતા હતા .દીકરી દયામણી નજરથી મા તરફ જોતી હતી .એના કાને પણ બધી વાત પડી હતી ...
    મા અને દીકરીની નજરે ઘણી વાતો કરી લીધી .
    યશોધરાબેન મક્કમ પગલે મન્ડપ માં ગયા .દીકરીનો હાથ પકડી ઉભી કરી દીધી .
    " કોણ કહે છે કે દીકરીઓ પારકી થાપણ હોય છે ! મારી દીકરી દાનમાં આપવા માટે નથી .અને હા,મૂંગી ગાય માનવાની ભૂલ તો કરતા જ નહીં .હજુ એની મા જીવતી બેઠી છે બાર વરસની .અને વેવાણ , જ્યાં દલ્લો મળે એની દીકરી લાવજો દીકરા માટે .જય શ્રી કૃષ્ણ."
    બધા અવાચક જોતા રહ્યા .યશોધરાબેન દીકરીને બાથમાં લઇ ચાલી નીકળ્યા ...સ્વમાનના રસ્તે .
    સ્મિતા શાહ 'મીરાં'
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment