• Gallery
 • Browse by Category
 • Videos
 • Top Rated Articles
 • Public TimeLine
 • News RSS Feeds
 • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
 • ૫રંપરાગત વ્‍યવસાયને સંકલિત કરી રોજગારીની વધુ સારી તકો ઉભી કરતું કૃપા સખી મંડળ
  editor editor on Saturday, June 30, 2012 reviews [0]


  અનેક પડકારો છતાં પણ પારંપારિક વાંસકામથી રોજગારી મેળવતી આસુરાની માંગ બહેનો
  અહેવાલઃ ચીમન વસાવા
  (માહિતી બ્‍યુરો વલસાડ) ટોપલા, સુપડા તેમજ અન્‍ય ઘરવખરીની ચીજો પ્‍લાસ્‍ટિકની મળતી થઇ હોવાને કારણે વાંસકામ સામે મોટો પડકાર ઉભો થયો છે. આમ છતાં પણ અમારા સખીમંડળ દ્વારા અમારા સમાજના આ પારંપારિક વ્‍યવસાયને સંકલિત કરી વધુ સારી રોજગારીની તક ઉભી કરી છે. આ શબ્‍દો આસુરા ગામના નિશાળ ફળિયામાં રહેતા વાંસકામના પારંપારિક વ્‍યવસાય સાથે સંકળાયેલ અને કૃપા સખીમંડળના પ્રમુખ શ્રીમતી મીનાબેન સતિષભાઇ નિકુળિયાના છે.
  પ્રાચીન ભારતીય સમાજમાં નારીની આગવી ગરિમા હતી. સમયના બદલાવની સાથે ભારતીય નારીને હાંસિયામાં ધકેલી દેવામાં આવી હતી. પરંતુ આજના આ વૈજ્ઞાનિક યુગમાંસ્ત્રીઓ અનેક ક્ષેત્રમાં કાઠું કાઢી રહી છે. શહેરોમાં રહેતી બહેનો નોકરી ધંધાના ક્ષેત્રમાં અગ્રેસર થઇ છે તો ગ્રામ્‍ય બહેનો પણ સરકારની મિશન મંગલમ જેવી યોજનાના સથવારે હમ ભી કિસીસે કમ નહિંની આહલેક જગાવી રહી છે.
  સરકાર દ્વારાસ્ત્રી સશક્‍તિકરણ ક્ષેત્રે લેવામાં આવી રહેલા વિવિધ અસરકારક પગલાઓથી ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતી બહેનો હવે નાના-નાના સખી મંડળો અને સ્‍વસહાય જૂથોના માધ્‍યમથી કમાણી કરી કુંટુંબને સહાયભૂત થઇ રહી છે. અત્‍યાર સુધી ગામડાની બહેનો માટે એવું કહેવાતું કે તેઓ ઘરકામ અને ખેતી સિવાય બીજું કાંઇ કરી શકે એમ નથી. નોકરી ધંધાને પુરૂષોનું કામ ગણવામાં આવતું હતું. પરંતુ હવે સમય બદલાઇ ચૂકયો છે, સરકારનાસ્ત્રી સશક્‍તિકરણક્ષેત્રના મિશનમંગલમ જેવા સ્‍તુત્‍ય પ્રયાસોને કારણે ગામડાની અભણ કે અર્ધસાક્ષર બહેનો પણ હવે આર્થિક ઉપાર્જન કરતી થઇ છે.
  આમ, સમાજની સરખામણીમાં પછાત ગણાતી માંગ જાતિના લોકો કોટવાળિયા જ્ઞાતિની જેમ જ વાંસકામ કરી ગુજરાન ચલાવતી જાતિ છે. ધરમપુર તાલુકાના આસુરા ગામના નિશાળ ફળિયામાં પણ માંગ જાતિની સારી એવી વસતિ આવેલી છે. આ સમાજના લોકો વ્‍યકિતગત રીતે પોતાના કુંટુંબ સાથે વાંસકામનો વ્‍યવસાય ચલાવતા હતા. વ્‍યક્‍તિગત ધોરણે કરવામાં આવતો આ વ્‍યવસાય પ્રમાણમાં ઓછો ઉત્‍પાદક અને ઓછો વળતરદાયક જણાતા આજ ગામના મીનાબેન નિકુળિયા અને અન્‍ય પંદર બહેનોએ કૃપા સખીમંડળ બનાવી પારંપારિક આ વ્‍યવસાયને સંકલિત સ્‍વરૂપ આપી કમાણીની વધુ સારી તક ઉભી કરી છે.
  આ સખીમંડળની તમામ બહેનો માસિક રૂપિયા સો લેખે મહિને પંદરસો રૂપિયાની બચત કરે છે. જેમાંથી થયેલી બચતમાંથી જરૂર પડયે આંતરિક ધિરાણ કરી જરૂરિયાત પ્રમાણે નાણાંની સગવડ કરી લે છે. તેમના આ પારંપારિક વ્‍યવસાયને સંકલિત સ્‍વરૂપમાં ફેરવવા પાછળનું કારણ સ્‍પષ્‍ટ કરતા પ્રમુખ મીનાબેને જણાવ્‍યું હતું કે, પારિવારિક ધોરણે આ કામ કરતી વખતે સહકારની ભાવનાનો અભાવ જોવા મળતો હતો. જેની ઉત્‍પાદકતા પર અસર પડતી હતી અને ઓછી ઉત્‍પાદકતાની સીધી અસર આવક પર પડતી હતી.

  કૃપા સખીમંડળની શરૂઆતથી અમે બધી બહેનો સમૂહમાં કામ કરીએ છીએ જેનાથી અમારા ઉત્‍પાદનમાં સારો એવો વધારો નોંધાયો છે.
  સારા માઠા દરેક પ્રસંગે વાંસમાંથી બનેલ દરેક ઘરવખરીની ચીજોની જરૂર પડતી હોય જરૂરિયાતમંદ વ્‍યક્‍તિઓ સીધા અમારી પાસેથી ખરીદી કરી જાય છે. ઉપરાંત ધરમપુરના વેપારીઓ પણ દર બીજા ત્રીજા દિવસે આવી અમારા ઉત્‍પાદનો જથ્‍થાબંધ ભાવે ખરીદી કરી જાય છે. ઘટતા જંગલોને કારણે વાંસની સંખ્‍યા પણ ઘટતી જાય છે જેના પરિણામે વાંસની કિંમતમાં દિન પ્રતિદિન વધારો જ થતો જાય છે જેના કારણે થોડી મુશ્‍કેલી પડે છે પણ અમારો સંકલિત પ્રયાસથી અમે આ મુશ્‍કેલીને નિવારી શકયા છે. આજે અમારી આવક માસિક રૂપિયા આઠ થી દસ હજારની થવા જાય છે. જેમાંથી વાંસની કિંમત, ઘરનું ગુજરાન ચલાવવું, બાળકોનો ખર્ચો અને સખીમંડળની માસિક સોની બચત બાદ કરતા આજે અમે મહિને રૂપિયા ૯૦૦/- થી ૧૦૦૦/-ની બચત કરીએ છે, એમ મીનાબેને વધુમાં જણાવ્‍યું હતું.
  આગામી દિવસોમાં કૃપા સખીમંડળ વાંસમાંથી બનતી ગૃહ સુશોભનની વસ્‍તુઓ બનાવવાની તાલીમ મેળવી ગૃહ સુશોભનની વસ્‍તુઓ બનાવી વધુ આવક મેળવી શકાય એ માટે પ્રયત્‍નશીલ હોવાનું જણાવ્‍યું હતું.
  શહેરી વિસ્‍તારની બહેનો ભલે દરેક ક્ષેત્રમાં આગળ હોય પરંતુ સરકારની મિશનમંગલમ જેવી યોજનાઓથી ગ્રામ્‍ય બહેનો પણ સર ઉઠા કે કહી શકે એમ છે કે હમ ભી કિસીસે કમ નહિં.
  ધરમપુર તાલુકાના ખોબા ગામે વિશ્વપર્યાવરણ દિવસ ઉજવાયો
  (માહિતી બ્‍યુરો વલસાડ): તા. ૦૮: વનપર્યાવરણ ક્ષેત્રે કુદરતવાસીઓમાં જનજાગૃતિ કેળવાય એ હેતુથી, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મહારાષ્‍ટ્ર રાજ્‍યની હદને અડીને આવેલા ખોબા ગામમાં સેવાના ભેખધારી ગાંધી વિદ્યાલય અમદાવાદના ગ્રામ શિલ્‍પી (ગ્રામ વિકાસના ઙ્ગષિ) ગુંદલાવના વતની શ્રી નીલમભાઇ ધીરુભાઇ પટેલ તથા તુતરખેડના વતની અને સીંગારમાળના ગ્રામશિલ્‍પી શ્રી અમ્રતભાઇ જોગારીની અધ્‍યક્ષતામાં ગ્રામજનોએ સ્‍વયંભૂ જનજાગૃતિ દ્વારા ગુલમહોર, સોનમહોર, સાગ, કદમ્‍બ, લીમડો, બદામ, મહુડી, જાંબુડા, સેવન વગેરે વૃક્ષોનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી.
  વધુમાં આ પ્રસંગે વલસાડ માહિતી વિભાગના શ્રી હેમંત કંડોલીયા, રમેશભાઇ પટેલ દ્વારા પીંડવળ, પંગારબારી, પૈખેડ, ખોબા, તુતરખેડ, સીંગારમાળ વગેરે ગામોમાં લોકોપયોગી સાહિત્‍યનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
  આ અભિયાનમાં વનરાજ કોલેજ, ધરમપુરના આચાર્યશ્રી યોગેશ ભટ્ટ, દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળના મંત્રી અને પીંડવળ આશ્રમશાળના ભૂતપૂર્વ આચાર્ય શ્રી મંછુભાઇ ગાંવિત, ગુજરાત મિત્રના ચર્ચાપત્રી શ્રી ધીરુભાઇ મેરાઇ, સામાજિક વનીકરણ વિભાગ, ધરમપુર રેન્‍જના આર.એફ.ઓ શ્રી જે.કે.પટેલ તેમજ સ્‍ટાફ, ગ્રૂપ ગ્રામ પંચાયત સીંગારમાળના સભ્‍યશ્રીઓ, ધનજીભાઇ ભડાગી, ગ્રામજનો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
                             

    Comments
  » Not yet reviewed by any member. You can be the first one to write a review.
  
  » You must be logged in to post a comment