Wed. Sep 23rd, 2020

Share with:


કૃષ્ણલાલ શ્રીધરાણી (૧૬ સપ્ટેમ્બર ૧૯૧૧ – ૨૩ જુલાઇ ૧૯૬૦) ગુજરાતી ભાષાના કવિ અને નાટ્યકાર હતા. આજે તેમનો જન્મદિવસ છે.
તેમનો જન્મ ઉમરાળામાં (હવે ભાવનગર જિલ્લામાં‌‌) થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં થયું. ૧૯૨૯માં તેઓ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ ની ઐતિહાસિક દાંડી કુચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ થયો. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી તેઓ ૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક થયા. બીજે વર્ષે રવિન્દ્રનાથ ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજ્કીય તત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી પીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી અમૃતબઝાર પત્રિકા માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. તેઓ ૧૯૪૬માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ રહ્યા હતા. ‘કોડીયા’, ‘પુનરવિ કાવ્ય સંગ્રહ, વડલો, મોરનાં ઇંડા જેવા 16 નાટકો આપ્યા. એમનાં સરળ સુંદર ગીતો બાળકો ખુબ જ ગાતા. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલો.
૨૩ જુલાઇ ૧૯૬૦ના રોજ હૃદય બંધ પડવાથી દિલ્હીમાં તેમનું અવસાન થયું. ભાવવંદન 👏💐
કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીને એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ મઝાનું ગીત..!
અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર ! … અમે

સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! … અમે

નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! … અમે

પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! … અમે

જાગો, ઉઠો ભોર થઇ છે, શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! … અમે

સંકલન : મનોજ આચાર્ય, રાજકોટ

 

Leave a Reply