નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે, જે નવદુર્ગાની પ્રથમ દુર્ગા છે : Manoj Acharya

નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે, જે નવદુર્ગાની પ્રથમ દુર્ગા છે.
પર્વત રાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે. નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા અને ઉપાસના થાય છે. આ દિવસે ઉપાસનામાં યોગી પોતાના મનને ચક્રમાં સ્થિત કરે છે અને અહીંથી તેમની યોગી સાધનાનો પ્રારંભ થાય છે. વૃષભસવાર શૈલપુત્રી માતાના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે. શૈલપુત્રી એ માતા પાર્વતીનો જ અવતાર છે. દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થયા બાદ સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતાં. ત્યારબાદ તેમણે હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો. પર્વત પુત્રી હોવાના કારણે તેમને શૈલપુત્રી કહે છે. માતા શૈલપુત્રીની આરાધનાથી મનોવાંછિત ફળ મળે છે અને કન્યાને સારા વરની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ સાધકને મૂળાધાર ચક્ર જાગ્રુત થવાથી પ્રાપ્ત થતિ સિદ્ધિઓ પણ મળે છે. માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના પુત્રી છે, આથી તેમને પાર્વતી કે હેમવતી નામથી પણ ઓળખે છે.

. શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે આજે સવારે ગરબાનું સ્થાપન કરી ગાયત્રી માતાજીનો વિશેષ શણગાર કર્યો. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આજે પ્રથમ નવરાત્રિ ખુબ જ સાદાઈથી સાંજે 7 થી 7.30 દરમિયાન ઉજવાઇ, જેમાં પરિવારજનોએ માતાજીનાં બેઠા ગરબા ગાયા અને બેંગલોરથી ખાસ આવેલા દિકરી-જમાઇ દિવ્યા અને કૃતાર્થકુમારે કુળદેવી હરસિધ્ધિ માતાજીનું અંતરમાં ધ્યાન ધરીને આરતી ઉતારી.
નવરાત્રિનું આજે બીજું નોરતું છે. મા દુર્ગાની પંચોપચાર કે ષોડશોપચાર પૂજા કરવાનું આજે ખાસ મહત્વ છે. નવદુર્ગાના નવ રૂપમાં બીજું રૂપ બ્રહ્મચારિણીનું છે. તેને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. કઠોર સાધના અને બ્રહ્મમાં લીન રહેવાના કારણે તેને બ્રહ્મચારિણી કહેવાય છે. વિદ્યાર્થીઓ માટે તેમની પૂજા લાભદાયી છે.
બ્રહ્મચારિણીમાં બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એટલે કે જે તપનું આચરણ કરે છે તે બ્રહ્મચારિણી. માના ડાબા હાથમાં જપમાળા અને જમણા હાથમાં કમંડલ શોભાયમાન છે. માના આ સ્વરૂપની ઉપાસના કરવાથી મનુષ્યને ભક્તિ અને સિદ્ધી બંનેની પ્રાપ્તિ થાય છે. માતા પ્રસન્ન થઈને ભક્તોને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ આપે છે.
શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ રાજકોટ ખાતે આજ સવારની પૂજા તથા શણગાર સુરેન્દ્રનગરનાં પ્રખ્યાત એડવોકેટ અને ક્ષત્રિય સમાજનાં અગ્રણી શ્રી રાજભા ઝાલા (ઘણાદ) તરફથી હતો અને વઢવાણ નિવાસી અને હાલ રાજકોટ રહેતા વૈદરાજ શ્રી જયપ્રકાશ દંગી સાહેબ તરફથી પૂ. ગુરુદેવ માટે દૂધની સેવા હતી તેમજ સાંજની આરતીનો લાભ તેમણે ધર્મપત્ની હિનાબેન સાથે લીધો હતો.

Share this:

 
Uncategorized