નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા થાય છે : Manoj Acharya

નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા થાય છે. માં ચંદ્રઘંટાની પૂજા મંત્ર થી શરૂઆત કરવી જોઈએ.
“।। या देवी सर्वभू‍तेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता ।।”
“।। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।”
રણઘેલી મુખમુદ્રા અને સિંહ પર સવારી
માઁ ચંદ્રઘન્ટાનું આ રૂપ શૌર્યનું પ્રતીક છે.
સિંહ પર સવાર દસ ભૂજાવાળી દેવી ચંદ્રઘન્ટાનું મુખ અસુરોને હણવાને સદાય તત્પર રહે તેવું ક્રોધાયમાન દીપી રહ્યું છે. એને દસ હાથ છે. ધનુષ-બાણ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવાં હથિયારો માતાએ ધારણ કરેલાં છે. એ સાથે કમળ અને કમંડલ પણ તેમના હાથોમાં શોભે છે. માથે રત્નજડીત મુગટ છે તો ગળામાં શ્વેત પુષ્પમાળા રહેલી છે.
શા માટે કે’વાણી ચંદ્રઘંટા?
નવદુર્ગાનું આ સ્વરૂપ ‘ચંદ્રઘંટા’ કહેવાય છે તેની પાછળનું એક કારણ છે. દેવીના મસ્તિષ્ક પર ઘંટાના આકારમાં ચંદ્ર રહેલો છે. આથી, તેનું નામ ‘ચંદ્રઘંટા’ પડ્યું છે. માતાનું શરીર અનન્ય આભાયુક્ત સોના જેવી કાંતિ ધરાવે છે.
દેવીનું આ રૂપ ભયાનક છે, રૌદ્ર છે, આસુરી શક્તિઓનો સંહાર કરવાને હંમેશા તૈયાર છે. આ રૂપમાં જગદંબાએ અસુરોનો ખાત્મો બોલાવીને દેવતાઓને તેનો ભાગ મેળવી આપ્યો હતો. માતાની ભક્તિ કરવાથી વીરતાનો સંચાર થાય છે. અભયદાનની પ્રાપ્તિ માતાનું આ રૂપ કરાવે છે. કહેવાય છે, કે ચંદ્રઘન્ટા દેવીની સદાય તત્પરતાની મુદ્રાને લીધે તેઓ ભક્તોનાં દુ:ખ પણ ત્વરીત પામી જાય છે અને દૂર પણ કરે છે.
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરતા સાધકનું મન ‘મણિપુર’ ચક્રમાં સ્થિત થાય છે. એ વખતે સાધકને કંઈક અદ્ભુત શક્તિઓની અનુભૂતિ થવા માંડે છે. પૂર્વે કદી ન અનુભવી હોય તેવી સુગંધનો અનુભવ થાય છે અને રણકાર જેવા ધ્વનિઓ સંભળાય છે. આ પળ સાચવવી અઘરી છે. આ પળે સચેત અને સાવધ રહેવું જરૂરી છે.

Share this:

 
Uncategorized