ચૂંટણી:ચૂંટણી પર્વ : દમણ પાલિકામાં 15 સભ્ય માટે 53 ઉમેદવાર, વોર્ડ 9માં સૌથી વધુ : Divya Bhaskar Saujanya


પાલિકામાં ભાજપના અનિતા પટેલ અને તમન્ના મીઠાણી બિનહરીફ વિજેતા

8મી નવેમ્બરે દમણ મ્યુનિસિપલની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીયુ એલાયન્સ અપક્ષ સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. 21મી ઓક્ટોબરે ઉમેદવારી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસ પાલિકાની 15 સભ્યો માટે 53 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, વોર્ડ નંબર 12ના અનિતા જયંતિભાઇ પટેલ અને વોર્ડ નંબર 15માંથી તમન્ના શૌકતભાઇ મીઠાણી સામે કોઇપણ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ જાહેર થયા હતા. આમ ભાજપે ચૂંટણી પૂર્વેજ બે મહિલા સભ્યોની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. હવે પાલિકાના 13 સભ્યો માટે ચૂંટણી યોજાશે જેમાં બે ઉમેદવારને બાદ કરતાં 51 ઉમેદવારો રહ્યા છે. વોર્ડ નંબર 9માં સૌથી વધુ સભ્યો 7 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

14 ગ્રુપ ગ્રામ પં.ના સરપંચ માટે 41 મૂરતિયા
ડાભેલની ચારેય પંચાયતને સમરસ કરવા માટે દરેક રાજકીય પક્ષના અગ્રણી સાથે બેઠક મળી હતી. જોકે, આ બેઠક બાદ પંચાયત સમરસ થઇ શકી ન હતી. દમણ જિલ્લાની કુલ 16 ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 41 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે વોર્ડના સભ્યો માટે 199 ફોર્મ ભરાયા છે. સભ્યો માટે સૌથી વધુ 38 ફોર્મ મરવડ પંચાયત માટે ભરાયા છે. જ્યારે સરપંચની ઉમેદવારીમાં ડાભેલની આટિયાવાડમાંથી 6 ઉમેદવારી થઇ છે. આમ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો માટે કુલ 240 ફોર્મ ભરાયા છે.
જિલ્લા પંચાયત સભ્ય માટે 72 ઉમેદવારી
દમણ જિલ્લા પંચાયતની 16 બેઠક માટે 72 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ ડાભેલ બેઠક ઉપરથી 7 ઉમેદવારો છે. જોકે, શુક્રવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા બાદ ચૂંટણીનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે. જોકે, કોંગ્રેસે પાલિકાની કેટલીક બેઠકો છોડી દીધી હતી.

Share this:

 
Uncategorized