ગાંધીવાદી અર્થશાસ્ત્રી અને સાહિત્યકાર નરહરિ દ્રારકાદાસ પરીખ : Manoj Acharya

ગાંધીવાદી અર્થશાસ્ત્રી અને સાહિત્યકાર નરહરિ દ્રારકાદાસ પરીખ (૭ ઓક્ટોબર, ૧૮૯૧ – ૧૫ જુલાઇ, ૧૯૫૭) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને વતન ખેડા જિલ્લાનું કઠલાલ હતુ. તેમણે અમદાવાદમાં અભ્યાસ કરીને ૧૯૦૬માં મૅટ્રિક કરી ૧૯૧૧ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. અને ૧૯૧૩માં એલએલ.બી. કરી ૧૯૧૪માં મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાતનો પ્રારંભ કર્યો. ૧૯૧૭માં સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળા સાથે સંલગ્ન. ૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં. ૧૯૩૫માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક. ૧૯૩૭માં બેઝિક ઍજ્યુકેશન બોર્ડના પ્રમુખ. ૧૯૪૦માં ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય.
એમણે ગાંધીચીંધ્યા માનવતાવાદ અને જીવન પરત્વેની સાધક દ્રષ્ટિનો નિતાન્ત પરિચય કરાવ્યો છે. એમના ગ્રંથોમાં સાહિત્યનું સંદોહન અને સંપાદન કરવાની શક્તિનો તેમ જ સાદી, સરલ અને પારદર્શક ગદ્યશૈલીનો આવિષ્કાર જોઈ શકાય છે. એમના મૌલિક ગ્રંથોમાં ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ (૧૯૫૦), ‘સરદાર વલ્લભભાઈ’- ભા. ૧,૨ (૧૯૫૦, ૧૯૫૨) અને કિશોરલાલ મશરૂવાલા પરનું ‘શ્રેયાર્થીની સાધના’ (૧૯૫૩) જેવાં ચરિત્રાલેખનો મુખ્ય છે. ‘માનવ અર્થશાસ્ત્ર’ (૧૯૪૫)એમનો તદવિષયક અત્યંત યશસ્વી ગ્રંથ છે. આ ઉપરાંત શિક્ષણ, રાષ્ટ્રકારણ અને ગાંધીવિચારના સમન્વયની નીપજરૂપ ‘સામ્યવાદ અને સર્વોદય’ (૧૯૩૪), ‘વર્ધા કેળવણીનો પ્રયોગ’ (૧૯૩૯), ‘યંત્રની મર્યાદા’ (૧૯૪૦) વગેરે એમનાં સ્વતંત્ર પુસ્તકો છે.
૧૯૪૭માં પક્ષાઘાતનો પહેલો હુમલો. પક્ષાઘાત અને હૃદયરોગથી બારડોલીમાં 15 જુલાઈ 1957 માં તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ આચાર્ય, રાજકોટ

Share this:

 
Uncategorized